કાર્યવાહી@નડીયાદ: એસસી-એસટી સેલમાં ફરજ બજાવતા ASI રૂ.4 લાખની લાંચ લેતા ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડા જિલ્લામાં ACBએ ફરી એક સફળ ઓપરેશન હાથ ધર્યું છે. નડિયાદ ખાતે એસસી-એસટી સેલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ સોઢા પરમાર ACBના છટકામાં રૂ.4 લાખની લાંચ લેતા ઝડપાયા છે. માત્ર 44 દિવસમાં આ બીજો લાંચનો કેસ સામે આવતા જિલ્લામાં લાંચિયા તત્વોમાં ફફડાટ છવાઈ ગયો છે. ફરિયાદીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદી પાસે ધરપકડ ન કરવા, લોકઅપમાં ન બેસાડવા અને ઘેર જવા દેવા બદલ રૂ. 4 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ મામલે સીધા ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો હતો.ACBની ટીમે યોજના બનાવીને ટ્રેપ ગોઠવ્યો હતો. નડિયાદ સ્થિત એસસી-એસટી સેલના કચેરીના કમ્પાઉન્ડમાં જ જયદીપસિંહ પોતાની કારમાં લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACB અધિકારીઓએ લાંચની રકમ સાક્ષી સમક્ષ કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર ઓપરેશન ગાંધીનગર ACBની ટીમ દ્વારા સુનિયોજિત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.