કાર્યવાહી@કચ્છ: ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા 6 લોકો ઝડપાયા, પાંચ પોલીસ અધિકારી સસ્પેન્ડ

 
કાર્યવાહી
અધિકારીઓ સહીત જેલ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે

​​​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીધામની ગળપાદર જેલમાં થયેલી દારૂ મહેફીલ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેલના પાંચ અધિકારી, કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.ગળપાદર જેલના અધિકારીઓ સહીત જેલ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. ગળપાદર જેલના ઇન્ચાર્જ અધિક્ષક, ઇન્ચાર્જ જેલર, જમાદાર તેમજ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચનાના પગલે પોલીસ કાફલાએ મધરાતે જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં દારૂ પીધેલી હાલત 6 કેદીઓ મળી આવ્યા હતા.આ સિવાય દરોડા દરમ્યાન પોલીસને દારૂની બોટલો, મોબાઈલ ફોન અને બિનવારસી હાલતમાં રોકડા 50 હજાર મળ્યા હતા. તમામ વસ્તુઓને કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ, રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) (ઉં.વ.30 રહે.કાર્ગો ઝુપડા, બાપા સીતારામનગર, ગાંધીધામ), શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉં.વ.32 રહે.નવી મોટી ચીરઈ તા.ભચાઉ), ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.30 રહે.જૂની મોટી ચીરઈ, તા.ગાંધીધામ), રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર (ઉં.વ.27 રહે.દર્શનગર સોસાયટી, અયોધ્યા, જી.અયોધ્યા યુપી) આ તમામને દારૂ પીધેલી હાલતમાં પકડ્યા હતા. આ છ કેદીઓ વિરૂદ્ધ કેફી પીણું પીવા સબબ પ્રોહી કલમ-66 મુજબ અલગ-અલગ ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે.