કાર્યવાહી@કચ્છ: વિવિધ રાજ્યોમાં સક્રિય આંતરરાજ્ય 'નેપાળી ચોર ગેંગ'નો પર્દાફાશ
2 મહિલાઓની અટકાયત
અટલ સમાચાર ડોટ કીમ, ડેસ્ક
કચ્છ જિલ્લાના આદિપુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય આંતરરાજ્ય 'નેપાળી ચોર ગેંગ'નો મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલી 2 નેપાળી મહિલાઓની અટકાયત કરી છે. પકડાયેલી મહિલાઓની કડક પૂછપરછ દરમિયાન તેઓએ આદિપુર ઉપરાંત પુણે, થાણે અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં પણ ચોરીની ગંભીર ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.
આ શાતિર ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અનોખી અને હાઈટેક હતી. ગેંગની મહિલાઓ સૌપ્રથમ અમીર પરિવારોમાં ઘરકામની નોકરી મેળવતી હતી. ત્યારબાદ થોડા દિવસોમાં જ ઘરમાલિકોનો પૂર્ણ વિશ્વાસ જીતી લેતી હતી. તક મળતાં જ ઘરમાંથી કિંમતી સામાનની ચોરી કરી ફ્લાઇટ મારફતે અન્ય રાજ્ય કે દેશમાં ભાગી જતી હતી. પોલીસે આ ઝડપાયેલી મહિલાઓ પાસેથી ડાયમંડ રિંગ, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને એકંદર રૂ. 3.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષ સભ્યો પણ સામેલ છે જેઓ બેકએન્ડથી સમગ્ર ચોરીનું પ્લાનિંગ કરતા હતા. હાલમાં આ ગેંગના અન્ય 3 ફરાર પુરુષ આરોપીઓને ઝડપી પાડવા માટે આદિપુર પોલીસે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

