કાર્યવાહી@કચ્છ: નંદગામ રોડ પરથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો, બે ઈસમોની ધરપકડ

 
કાર્યવાહી
અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છમાં માદક પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા 'NO DRUGS IN EAST KUTCH CAMPAIGN' હેઠળ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરહદી રેન્જના આદેશોનું પાલન કરીને પૂર્વ કચ્છ પોલીસે ભચાઉ વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે નંદગામ પાસે બે શખ્સોને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપી લીધા છે.પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે નંદગામથી વરસાણા તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર કેટલાક ઈસમો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે. રામદેવ હોટલની બાજુમાં તપાસ કરતા બે ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની પૂછપરછ અને તપાસ દરમિયાન ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પરથી 37.100 કિલોગ્રામ ગાંજો કબ્જે કર્યો છે.પોલીસે બાબુલાલ ધાન અને પિટુદાસ બંસીધરદાસ દાસ નામના બે ઈસમોની ધરપકડ કરી છે.

આ બંને આરોપીઓ મૂળ ઓડિશા રાજ્યના રહેવાસી છે. બંને આરોપી પાસેથી પકડાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે 18,55,000 રૂપિયા થાય છે. ગાંજા ઉપરાંત પોલીસે 2 મોબાઈલ ફોન, 2 એલ્યુમિનિયમના ડબ્બા, રોકડ રૂપિયા 1,020 અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. પોલીસે કુલ 18,67,020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓ સાથે મળેલા દસ્તાવેજોમાં એક [Aadhaar Redacted] પણ સામેલ છે.પોલીસે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-1985 હેઠળ ગુનો દાખલ કર્યો છે. ત્યારબાદ આ કેસમાં વધુ તપાસ માટે બંને આરોપીઓને ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.