કાર્યવાહી@કચ્છ: પ્રાથમિક શાળાનો શિક્ષક 2.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
માલ સપ્લાયમા બિલો મંજૂર કરવા માટે શિક્ષકે લાંચ માગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં રોજ કોઈના કોઈ અધિકારી કે કર્મચારી લાંચ લેતા પકડાઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં મથલ પ્રાથમિક શાળાનો શિક્ષક 2.80 લાખ રૂપિયાની લાંચ લેતા ACBની ટ્રેપમાં ફસાયો હતો. માલ સપ્લાયમા બિલો મંજૂર કરવા માટે શિક્ષકે લાંચ માગ હતી. આ શિક્ષકને ઝડપીને ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીની કંપનીએ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીને માલ સપ્લાય કર્યો હતો. જેના બિલોના કૂલ રૂપિયા 7.50 લાખ રૂપિયા મંજૂર કરાવવા માટે આરોપી શિક્ષક ઘનશ્યામ પટેલે પોતાના કમિશન પેટે 2.80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.ACBએ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપી ઘનશ્યામ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 2.80 લાખ માંગ્યા હતાં અને તે રકમ સ્વીકારી હતી. આ દરમિયાન એસીબીએ તેને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આરોપી ઘનશ્યામ પટેલ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીમાં માનદ મંત્રી અને કારોબારી સભ્ય છે. આ ઉપરાંત તે કચ્છના નખત્રાણાની મથલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક પણ છે.

