કાર્યવાહી@મહીસાગર: મસમોટા 123 કરોડ રૂપિયાના 'નલ સે જલ' યોજનાના કૌભાંડમાં વધુ 4 કર્મચારીઓની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહીસાગર જિલ્લાના બહુચર્ચિત 123 કરોડ રૂપિયાના 'નલ સે જલ' યોજનાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. વાસ્મો મહીસાગર કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા ચાર સોશિયલ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ કૌભાંડમાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓનો આંકડો 22 પર પહોંચ્યો છે. આ ચારેય આરોપીઓ વાસ્મોમાં સોશિયલ મોબિલાઈઝર તરીકે કરાર આધારિત ફરજ બજાવતા હતા. ઝડપાયેલા કર્મચારીઓમાં ગીરીશ વાળંદ, જનાર્દન પટેલ, મહેન્દ્ર રાઠોડ અને નાથા ડામોરનો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર એમ ચાર અલગ-અલગ તાલુકાઓનો ચાર્જ હતો. તેમની મુખ્ય કામગીરી લોકો સાથે સંપર્ક કરવો, યોજના વિશે સમજાવવું અને સરપંચોને વહીવટી પ્રક્રિયામાં મદદ કરવાની હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ કર્મચારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સરપંચો પાસેથી વિશ્વાસમાં લઈને કોરા લેટરપેડ મેળવી લીધા હતા. આ લેટરપેડ પર ખોટી સહીઓ કરી સરકારી ફંડની માંગણી કરવામાં આવતી હતી.
22 જૂન 2026ના રોજ વાસ્મોના તત્કાલીન યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા CID ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને કરોડો રૂપિયાની રિકવરી જેમની પાસેથી કરવાની છે તેવા મોટા કોન્ટ્રાક્ટરો હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ ભેદભાવભરી કાર્યવાહીને લઈને સ્થાનિક સ્તરે તપાસની નિષ્પક્ષતા પર અનેક સવાલો ઊઠી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 22 કૌભાંડીઓની ધરપકડ થઈ છે. આ કેસમાં 20 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાંથી કોર્ટે 18ની અરજી ફગાવી દીધી છે, જ્યારે 2ને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. કરોડોના ભ્રષ્ટાચારને કારણે યોજના ખોરંભે પડી છે.

