કાર્યવાહી@મહેસાણા: ભેળસેળયુક્ત વરિયાળીના મોટા કૌભાંડનો પર્દાફાશ, 4766 કિલોગ્રામ જથ્થો સીઝ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણાના ઉનાવા ગામમાં ભેળસેળયુક્ત વરિયાળીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરી 4766 કિલોગ્રામ વરિયાળીનો જથ્થો સીઝ કર્યો છે. મળેલી બાતમીના આધારે તંત્રની ટીમે ઉનાવા સ્થિત શિવગંગા એસ્ટેટ, શનિદેવ મંદિર નજીક આવેલા એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન વેપારી નીમકુમાર ગોવિંદભાઈ પટેલના ગોડાઉનમાં વરિયાળીમાં આર્ટિફિશિયલ કલર ભેળવી તેને વધુ લીલી અને ચમકદાર બનાવી બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
વરિયાળીને કલરયુક્ત બનાવી ૧ કિલોના પેકેટમાં પેક કરી ગ્રાહકો સુધી પહોંચાડવાની તૈયારી ચાલી રહી હતી.ફૂડ સેફ્ટી ઓફિસર ઉમંગભાઈ રાવલ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સમગ્ર જથ્થો જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમિયાન અંદાજે ₹8.57 લાખથી વધુ કિંમતનો 4766 કિલોગ્રામ વરિયાળીનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

