કાર્યવાહી@મોરબી: ઘૂટું ગામનાં સરપંચના પતિ અને તલાટીમંત્રી ૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
એસીબીની ટીમે ઘૂટું ગ્રામ પંચાયત કચેરીએ છટકું ગોઠવ્યું હતું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબીના ઘૂટું ગામના મહિલા સરપંચના પતિ અને તલાટીમંત્રી ૫૦ હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ચુક્યા છે બાંધકામ મંજુરી માટે ૫૦ હજારની લાંચની માંગણી કરી હોય જેથી એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવી હતી. જેમાં સરપંચના પતિ અને તલાટી મંત્રી રંગેહાથ ઝડપાઈ જતા એસીબી ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘૂટું ગામે બિનખેતી થયેલ પ્લોટ આશરે ૪ વીઘાની જગ્યામાં લાકડાના પ્લેટ બનાવવાનું યુનિટ ઉભું કરવાનું હોય જેથી બાંધકામ કરવા માટે ઘૂટું ગ્રામ પંચાયત પાસે મંજુરી મેળવવા માટે કાર્યવાહી કરતા તલાટી કમ મંત્રી અને ઘૂટું ગામના સરપંચના પતિ એમ બંનેએ બાંધકામ મંજુરી અવેજ પેટે ફરિયાદી પાસેથી રૂ ૫૦ હજારની લાંચની માંગ કરી હતી જે રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી મોરબી એ.સી.બી. માં ફરિયાદ કરી હતી.
જેથી એસીબી ટીમે ટ્રેપ ગોઠવી હતી રાજકોટ એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ એમ એમ લાલીવાલાની ટીમે ઘૂટું ગ્રામ પંચાયત કચેરીએ છટકું ગોઠવ્યું હતું જ્યાં તલાટી કમ મંત્રી વિમલભાઈ સુંદરજીભાઈ ચંદ્રોલા ૫૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો. અને ઘૂટું ગામના સરપંચના પતિ દેવજીભાઈ હરખાભાઇ પરેચા મદદગારી કરતા સ્થળ પરથી ઝડપાયા હતા એસીબી ટીમે તલાટી મંત્રી અને સરપંચના પતિ એમ બંને આરોપીને ઝડપી લઈને ૫૦ હજારની લાંચની રકમ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી ધરી હતી.