કાર્યવાહી@નડીયાદ: નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, 1.03 લાખની કિંમતની બનાવટી નોટો જપ્ત

 
કાર્યવાહી

પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નડીયાદમાં વ્હોરવાડ વિસ્તારમાં SOGએ દરોડો પાડીને નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે ધૂપેલીના ખાંચામાં આવેલા એક રહેણાંક મકાનમાંથી રૂ.1.03 લાખની કિંમતની બનાવટી નોટો જપ્ત કરી છે. નડિયાદમાં નકલી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું છે. એસઓજી પોલીસે નડિયાદના વ્હોરવાડ વિસ્તારમાં દરોડો પાડીને નકલી ચલણી નોટો છાપતું કારખાનું ઝડપી પાડ્યું છે.

નડિયાદના ધૂપેલીના ખાંચામાં આવેલા એક રહેણાંક મકાનમાંથી 1.03 લાખ રૂપિયાના કિંમતની બનાવટી નોટો જપ્ત કરી છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેના નામ મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ છે. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ અસલી નોટોની મદદથી એ-ફોર પેપર પર કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપતા હતા. સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા હતા.

પોલીસે સ્થળેથી 500ના દરની 135 નોટો, 200ના દરની 168 નોટો અને 100ના દરની 25 નોટો મળી કુલ 328 બનાવટી નોટો જપ્ત કરી છે. એફએસએલ અને બેંક અધિકારીઓએ નોટોની ચકાસણી કરતા તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું છે. એફએસએલ તપાસમાં જાણવા મળ્યું કે, નોટોમાં હલકી ગુણવત્તાનો કાગળ વપરાયો છે, કલરમાં વિસંગતતા છે, સિક્યોરિટી થ્રેડ, બ્લાઇન્ડ પર્સન માર્ક અને વોટર માર્ક નથી.પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.