કાર્યવાહી@નવાગામ: મહિલા ગાયકનું અપહરણ કરવા અંગે ભાઇ સહિત આઠ સામે નોંધાઇ ફરિયાદ

 
ફરિયાદ

શખ્સોએ માર મારી ઢસડી અને ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી દીધા હતાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે રહેતાં અને આશ્રમમાં સેવા પૂજા કરતા ગાયક કલાકારનું તેમના જ સગાભાઇ સહિત આઠ ઇસમોએ અપહરણ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય બાબતનો ખાર રાખી ભાઇએ અન્ય શખ્સો સાથે આવી બહેનને ઉઠાવી ધામધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વિશ્ર્વાસધામ આશ્રમ ચલાવતા ગાયક કલાકાર છાંયાબેન કરશનદાસ મકવાણા પોતાના ઘરે હતાં.આ દરમિયાન આશ્રમમાં ત્રણથી ચાર ગાડી ઘસી આવી હતી. જેમાં તેનો ભાઇ દયાનંદ મકવાણા, મોરારીદાસ મકવાણા, ઘનશ્યામ ભગવાન ગૌસ્વામી તેમજ સંજય જીવણભાઇ, દિનેશ મૂળજી રાઠોડ, મનહર ઉર્ફે મુનાભાઇ વાળા, નંદરામદાસબાપુ ઉર્ફે લાલબાપુ, રફીક હાસભાઇ શેખ તથા રામભાઇ રૂખડભાઇ સોલંકી સહિતનાઓ ગાડીમાંથી ઉતર્યા હતાં. આ દરમિયાન તમામે છાંયાબેનન કહ્યું હતું કે, તેમના દાદી સીરીયસ હોવાથી રાજકોટ હોસ્પિટલમાં છે અને સારવાર ચાલુ હોવાથી તે તને જોવા માંગે છે.

જો કે આ દરમિયાન છાંયાબેને સાથે જવાની ના પાડતા તમામ શખ્સોએ માર મારી ઢસડી અને ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી દીધા હતાં અને તેનું અપહરણ કરી લઇ ગયા હતાં. વધુમાં આશ્રમના માણસોને પણ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. જેને લઇને પોલીસે તમામ સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.