કાર્યવાહી@નવસારી: હોસ્પિટલમા બેદરકારીને કારણે આચાર્યનું મોત થતાં ખળભળાટ, નર્સ સહિત 3ની ધરપકડ

 
નર્સ
પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે એક શાળાના આચાર્યનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં હોસ્પિટલના મેનેજર, નર્સ અને એનેસ્થેટિસ્ટની ધરપકડ કરવામાં આવી છે. ખુરશી પરથી પડી જવાથી આચાર્ય ઘાયલ થયા હતા, જેના પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.નવસારી જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં સર્જરી બાદ તબીબી બેદરકારીને કારણે શાળાના આચાર્યનું મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ કેસમાં એનેસ્થેટિસ્ટ અને નર્સ સહિત ત્રણ લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. નવેમ્બર 2024 માં, 54 વર્ષીય શાળાના આચાર્ય અર્જુન રાઠોડનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. નવસારી સિવિલ હોસ્પિટલની તપાસ સમિતિએ આ કેસમાં ત્રણેયને બેદરકારી બદલ દોષિત ઠેરવ્યા હતા.DSP બીવી ગોહિલે જણાવ્યું કે આરોપીઓની ઓળખ ડૉ. ભરત નાયક, નર્સ નિરાલી નાયક અને દમણિયા હોસ્પિટલના મેનેજર ઈમેશ ગાંધી તરીકે થઈ છે. તપાસ પેનલના અહેવાલના આધારે, તેમની ધરપકડ હત્યા ન ગણાતા સદોષ હત્યા (કલમ 105) અને ગુના સમયે મદદગારની હાજરી (કલમ 54) ના આરોપસર કરવામાં આવી છે.10 મેના રોજ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે રાઠોડને 6 નવેમ્બર, 2024ના રોજ દમણિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ તેમના ઘરે ખુરશી પરથી પડી ગયા હતા અને તેમને ઈજાઓ થઈ હતી.પોલીસે જણાવ્યું કે, તેમની ઓર્થોપેડિક સર્જરી કરવામાં આવી હતી અને બાદમાં તેમને હોસ્પિટલના ICUમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં, ડૉ. નાયકે નર્સને 0.4 મિલી ટર્મિન ઇન્જેક્શન આપવાનું કહ્યું, જેના કારણે દર્દીનું બ્લડ પ્રેશર અને ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઘટી ગયું, જેના કારણે આચાર્યનું મોત થયું હતું.