કાર્યવાહી@નવસારી: કન્ટેનર ટ્રકમાંથી 1.04 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

 
કાર્યવાહી

એકની ધરપકડ, બે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

નવસારી પોલીસે કન્ટેનર ટ્રકમાંથી 1,04,97,600 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં એકને પકડી પાડવામાં આવ્યો છે જયારે બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.નવસારી રૂરલ પોલીસને બાતમી મળી હતી કે કન્ટેનર ટ્રકમાં ગોવાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી ને.હા.નં.48 ઉપર વલસાડથી ચીખલી વાયા નવસારી થઇ સુરત તરફ જનાર છે.જે બાતમીના આધારે નવસારી અષટ્રાગામની હદમાં ને.હા. નંબર 48 મુંબઈ થી અમદાવાદ જતા રોડ ઉપર વોચ ગોઠવી કન્ટેનર ટ્રકને ઝડપી પાડ્યો હતો.

 

પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 8748 બાટલીઓ કિંમત 1,04,97,600 મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો, કન્ટેનર, એક મોબાઈલ તેમજ આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા 1900 સહીત કુલ 1,30,4, 500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે રાજસ્થાનના વતની ડુંગરસિહ પ્રતાપસિંહ ચૌહાણ (ઉ.46)ને ઝડપી પાડ્યો છે જયારે આ ઘટનામાં સુરેન્દ્ર હજારીસિંગ રાજપૂત અને સતુભાઈ ઉર્ફે બાપુ ઉર્ફે બુઢોને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.