કાર્યવાહી@પાલીતાણા: ગૂગલ મેપથી લોકેશન શોધી મંદિર લૂંટતી ગેંગનો પર્દાફાશ, 2ની ધરપકડ

 
કાર્યવાહી
કુલ 11 જેટલા મંદિરોની દાનપેટીઓ તોડીને રોકડની ચોરી કરી હોવાની કબૂલાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓમાંથી રોકડ રકમની ચોરી કરતી શાતિર ગેંગનો પાલીતાણા રૂરલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓની ચોરી કરવાની અનોખી અને મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપીઓ કોઈ પણ વિશિષ્ટ કે નિર્જન વિસ્તારમાં આવેલા મંદિરને નિશાન બનાવવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હતા.ગૂગલ મેપ પર લોકેશન સર્ચ કરીને જે મંદિરો ગામથી થોડા અંતરે કે અવાવરૂ જગ્યાએ હોય તેને પસંદ કરી રાત્રિના સમયે દાનપેટીઓ તોડીને ચોરીને અંજામ આપતા હતા.

પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામના ગ્રામજનોએ શંકાસ્પદ હિલચાલ જોઈને ભારે જાગૃતિ દાખવી હતી. સ્થાનિકોની સતર્કતાના કારણે પાલીતાણા રૂરલ પોલીસને તુરંત જ અટકાયત માટે લોકેશન મળ્યું હતું અને પોલીસે મજબૂત કોર્ડન કરી બંને તસ્કરોને સ્થળ પર જ દબોચી લીધા હતા. પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતાં પકડાયેલા આરોપીઓની ઓળખ 1 દીદાર સતારભાઈ મકવાણા અને ૨. નરેશ ઉર્ફે ભોલો ડાયાભાઈ વાઘેલા તરીકે થઈ છે. આ તસ્કરોએ ભાવનગર અને અમરેલી જિલ્લાના અલગ-અલગ કુલ 11 જેટલા મંદિરોની દાનપેટીઓ તોડીને રોકડની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પાલીતાણા પોલીસે બંને આરોપીઓને જેલહવાલે કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.