કાર્યવાહી@પંચમહાલ: કાલોલમાં ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ, 22 લોકોની ધરપકડ, 6 ફરાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાંથી પોલીસે પાડીને ગેરકાયદે રીતે ચાલતા ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન કતલખાનામાંથી 13 જેટલા ગૌવંશને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે, અને આશરે 700 કિલો જેટલો શંકાસ્પદ માંસનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
કસ્બા વિસ્તારમાં ગેરકાયદે કતલખાનું ધમધમી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા કુલ 28 લોકો પૈકી પોલીસે સ્થળ પરથી 22 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં 18 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે બચાવવામાં આવેલા તમામ 13 ગૌવંશને સુરક્ષિત સ્થળે પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને જપ્ત કરાયેલા માંસના જથ્થાને એફએસએલ પરીક્ષણ માટે મોકલી આપ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને ફરાર અન્ય 6 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

