કૌભાંડ@પંચમહાલ: ગેરકાયદેસર ગેસ રીફિલિંગના નેટવર્ક પર પોલીસના દરોડા, 3ની ધરપકડ

 
કૌભાંડ
કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે લાલ આંખ કરી છે. ગોધરા શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે ગેસ રીફિલિંગના નેટવર્ક પર પોલીસે દરોડા પાડીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરાના એક વિસ્તારમાં કેટલાક ઈસમો સુરક્ષાના નીતિ-નિયમોને નેવે મૂકીને રાંધણ ગેસના મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેરકાયદે ગેસ રીફિલિંગ કરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે ઓચિંતા દરોડા પાડ્યા હતા, જ્યાં સ્થળ પરથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું.પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ગેસ રીફિલિંગ માટે વપરાતા સાધનો અને વાહનો સહિત કુલ 87,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ગેસના મોટા કોમર્શિયલ અને ઘરેલું સિલિન્ડર, ગેસ ટ્રાન્સફર કરવા માટેની પાઇપ અને નોઝલ અને અન્ય સાધન સામગ્રી અને વાહનો સહિતનો જથ્થો કબજે લીધો છે.આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. આ ઈસમો કોઈપણ લાયસન્સ કે સલામતીના સાધનો વગર આ જોખમી કામગીરી કરી રહ્યા હતા, જે રહેણાંક વિસ્તારમાં મોટી દુર્ઘટના નોતરી શકે તેમ હતું. આ સમગ્ર મામલે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.