કાર્યવાહી@પંચમહાલ: શંકાસ્પદ સરકારી અનાજના જથ્થાનો પર્દાફાશ, કુલ રૂ.8 લાખનો મુદ્દામાલ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા બી-ડીવીઝન પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પરથી 82 કટ્ટા શંકાસ્પદ ચોખા ભરેલા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને પગલે અનાજ માફીયાઓમાં ડર વ્યાપી ગયો છે. ગોધરા બી-ડીવીઝન પોલીસને શંકાસ્પદ અનાજની હેરાફેરી અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પર વોચ ગોઠવી હતી, તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પાને અટકાવી તલાશી લેવામાં આવી હતી. ટેમ્પામાંથી 82 કટ્ટા ચોખાનો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી હતી.
પોલીસે તાત્કાલિક આ મામલે પુરવઠા વિભાગને જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોખાના જથ્થા તેમજ ટેમ્પાને કબ્જે લીધો હતો. પુરવઠા વિભાગ દ્વારા ચોખાનો જથ્થો અને ટેમ્પો મળી કુલ રૂ. 8 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ ચોખાનો જથ્થો ખરેખર સરકારી છે કે કેમ અને જો સરકારી છે તો તે ક્યાંથી લવાયો અને ક્યાં લઈ જવાતો હતો. તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાતા જિલ્લાના અનાજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર કૌભાંડ મામલે 'રવિ' નામના અનાજ માફીયાનું નામ મોખરે આવ્યું હોવાનું સામે આવ્યું છે.

