કાર્યવાહી@પાટણ: ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરમાંથી બે યુવકોની ધરપકડ, દેશ વિરોધી પ્રવૃત્તિનો ગંભીર આરોપ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા રાજ્યમાં શાંતિ અને સુરક્ષા કાયમ રાખવા માટે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી બે યુવકોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન મુંબઈથી પણ અન્ય એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, આમ કુલ 3 શખ્સો પોલીસના સકંજામાં આવ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર દેશવિરોધી પ્રવૃત્તિમાં સક્રિય રીતે સંકળાયેલા હતા.
ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી અત્યંત શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યું છે. આ સાહિત્યનો ઉપયોગ લોકોમાં અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવતો હોવાની આશંકા છે. તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ તત્વો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક RSS નેતા વિરુદ્ધ અત્યંત ભડકાઉ પોસ્ટ કરવામાં આવી હતી. આવી પોસ્ટ થકી સમાજમાં વૈમનસ્ય અને ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
હાલમાં ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરથી પકડાયેલા બે અને મુંબઈથી પકડાયેલા એક એમ કુલ ત્રણ આરોપીઓની સઘન પૂછપરછ ચાલુ છે. આ યુવકો પાછળ અન્ય કોઈ સંગઠનનો હાથ છે કે કેમ, અને તેમના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

