કાર્યવાહી@પાટણ: ખનીજ માફિયાઓ પર ખાણ ખનીજ વિભાગની ટીમના દરોડા, 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત

 
કાર્યવાહી

કરોડો રૂપિયાની રકમની સીધી જ ચોરી કરવામાં આવતી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખનીજ માફિયાઓ પર પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામેથી પાટણ ખાણ ખનીજની ટીમે દરોડા પાડીને રૂપિયા 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ 1 મશીન જપ્ત કર્યું છે. કોઈપણ જાતની લીઝની પરવાનગી લીધા વગર જ ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ સરકારની રોયલ્ટી ચોરી કરતા હતા. બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાના ગુનાની તપાસ ચાલુ છે, ત્યારે આશરે 10 લાખનો દંડ ખનીજ માફિયાઓને ફટકારવામાં આવશે.

કંબોઈ ગામના વિક્રમસિંહ સોલંકી દ્વારા ગેરકાયદેસર ખનન કરીને સરકારની તિજોરીને મળતી કરોડો રૂપિયાની રકમની સીધી જ ચોરી કરવામાં આવતી હતી. થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના ઉનામાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ હતી. ઉના તાલુકાના ખડા ગામેથી ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. 4 ટ્રેક્ટર અને 4 ટ્રોલી સહિત આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાંખરવાડા, ખડા, સિમર બીચથી રોજ બેફામ દરિયાઈ રેતીની ચોરી થાય છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર 4 ટ્રેક્ટર પકડીને સંતોષ માન્યો હતો.