કાર્યવાહી@પાટણ: મોબાઈલ લોન કૌભાંડનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ શહેર સ્ટેશન રોડ પર આવેલા શ્રીદેવ કોમ્પ્લેક્ષની એચડીએફસી બેંકમાં મોટા મોબાઈલ લોન કૌભાંડ સામે આવ્યું છે. બેંક અધિકારી મેહુલ સોલંકીએ 8 એપ્રિલે 'બી' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ 25થી 30 ગ્રાહકોના નામે મોબાઈલ લોન મંજુર કરાવી, મોબાઈલ ન આપતાં તેમની લોનથી ખરીદાયેલા મોબાઈલ અન્ય લોકોના હવાલે કર્યા હતા.
કુલ રૂ. 3,44,472ની લોનમાંથી રૂ. 2,08,500 જેટલા મોબાઈલ ગ્રાહકોને અપાયા હતા, જ્યારે બાકીની રૂ. 1,35,972ની રકમની છેતરપિંડી થઈ હતી. આ કેસમાં મુખ્ય આરોપી લાલાભાઈ પરમારની ધરપકડ બાદ વધુ એક આરોપી હુજેફા મહંમદ યાસીન નામ બહાર આવ્યું હતું. પોલીસે તેને પણ ઝડપી કોર્ટમાં રજૂ કર્યો છે. લાલાભાઈની પૂછપરછમાં ખુલ્યું કે તેણે 25થી 30 મોબાઈલ લોન કરાવી હતી જેમાંથી 15 મોબાઈલ હુજેફાને અને 5 મોબાઈલ પાટણના જીઓ સ્ટોર પર આપ્યા હતા. બાકીના 10 મોબાઈલ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. હાલમાં લાલાભાઈને 11 એપ્રિલ સુધીના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે અને હુજેફાની પણ ધરપકડ થઈ ચુકી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની તપાસ પણ ચાલી રહી છે.