કાર્યવાહી@પોરબંદર: તહેવારો વચ્ચે નકલી ઘીના શંકાસ્પદ કારોબારનો પર્દાફાશ થતાં ખળભળાટ

 
કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોરબંદરના છાયા વિસ્તારમાં તહેવારો વચ્ચે LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ઘીની વધતી માગ વચ્ચે વનસ્પતિ ઘીમાંથી શુદ્ધ ઘી તૈયાર કરીને વેચાણ કરવામાં આવતું હોવાની શંકા સામે આવતા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ રીતે ઘી બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ છે અને એક શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો છે.છાયા વિસ્તારમાં એક સ્થળે વનસ્પતિ ઘીમાંથી શુદ્ધ ઘી બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન વનસ્પતિ ઘીનો ઉપયોગ કરીને ઘી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ રીતે તૈયાર કરાયેલું ઘી બજારમાં શુદ્ધ ઘીના નામે વેચવામાં આવતું હતું કે નહીં તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે.સંયુક્ત કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 50 બોક્સ વનસ્પતિ ઘી અને 9 ડબ્બા મળી આવ્યા હતા. અધિકારીઓએ શંકાસ્પદ સામગ્રીનો કબજો લઈ સમગ્ર જથ્થાની તપાસ શરૂ કરી છે. તહેવારના સમયે મોટી માત્રામાં ઘીની માગ રહેતી હોવાથી આ પ્રકારના ગેરકાયદે કારોબારથી ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી એક શખ્સને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.

આ મિની ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી, અહીં તૈયાર થતું ઘી ક્યાં વેચવામાં આવતું હતું અને આ સમગ્ર કારોબારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ પરથી ઘીના સેમ્પલ લેવામાં આવશે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે. સેમ્પલના રિપોર્ટ બાદ ઘી ખરેખર ખાદ્ય ગુણવત્તાના ધારાધોરણોને અનુરૂપ છે કે નહીં અને તેમાં કોઈ ભેળસેળ કરવામાં આવી હતી કે નહીં તે સ્પષ્ટ થશે.