કાર્યવાહી@રાજકોટ: દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ, ટેન્કરમાંથી કરોડોનો દારૂ ઝડપાયો

 
કાર્યવાહી
આ સફળતાથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વીરપુર પોલીસે દારૂની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા કાગવડ પાસે રેલવે ઓવરબ્રિજ નીચેથી એક ગેસ લિક્વિડ ટેન્કરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પડ્યો છે. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે ટેન્કરમાં એક ખાસ ચોરખાનું બનાવ્યું હતું, જે જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કીમિયાનો ઉપયોગ કરી બુટલેગરો લાંબા સમયથી દારૂની હેરાફેરી કરતા હોવાની શંકા સેવાઈ રહી છે.

પોલીસે અંદાજિત રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં દારૂનો જથ્થો અને ટેન્કરનો સમાવેશ થાય છે.પોલીસના કહ્યા મુજબ તેમને ચોક્કસ બાતમી મળી હતી કે દારૂનો મોટો જથ્થો ટેન્કરમાં છુપાવીને લઇ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે કાગવડ વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઇને બુટલેગરો અંધારાનો લાભ લઈને ટેન્કર મૂકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ટેન્કરની તલાશી લેતા તેમાંથી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ફરાર બુટલેગરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે અને આ રેકેટમાં સંકળાયેલા અન્ય લોકોની પણ શોધખોળ કરી રહી છે.વીરપુર પોલીસની આ સફળતાથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવવાની આ યુક્તિ દર્શાવે છે કે આ રેકેટમાં મોટા માથાઓ સંડોવાયેલા હોઈ શકે કે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે જાણી શકાય.