કાર્યવાહી@સાબરકાંઠા: ડિટર્જન્ટ પાવડર અને યુરિયાથી બનતું હતું દૂધ, LCBના દરોડામાં 4 ધરપકડ
ડિટર્જન્ટ-યુરિયાથી બનતું હતું નકલી દૂધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ ડિટર્જન્ટ પાવડર, યુરિયા અને અન્ય હાનિકારક રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ તૈયાર કરીને બજારમાં વેચાણ કરતા હતા. આ ઘટનાએ આખા જિલ્લામાં ભારે આક્રોશ ફેલાવ્યો છે.
દાહોદ એલસીબી ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટી માત્રામાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા, ખાંડની ચાસણી, પાણી, તેલ અને અન્ય રસાયણો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ દૂધ જેવો દેખાતો પ્રવાહી બનાવવા માટે કરવામાં આવતો હતો. આ નકલી દૂધને બજારમાં અને આસપાસના વિસ્તારોમાં વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી નકલી દૂધ ભરેલા ડબ્બા, મિક્સિંગ મશીનો, રસાયણોના પેકેટ્સ અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક સગીર પણ સામેલ છે. આરોપીઓ સામે ફૂડ એડલ્ટરેશન એક્ટ, IPCની વિવિધ કલમો અને અન્ય કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફેક્ટરી લાંબા સમયથી ચાલી રહી હતી અને તેના દ્વારા તૈયાર કરાયેલું નકલી દૂધ સ્થાનિક દુકાનો, હોટેલો અને ઘરોમાં પહોંચતું હતું.
આ દૂધના સેવનથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જેમાં કિડની, લીવર અને અન્ય અંગોને નુકસાન થવાની શક્યતા છે.આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે. ઘણા લોકોએ પોતાના ઘરમાં વપરાતું દૂધ તપાસવાનું શરૂ કરી દીધું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ આજુબાજુના વિસ્તારોમાં દૂધના નમૂના લઈને તપાસ શરૂ કરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ફક્ત નોંધાયેલા અને વિશ્વસનીય બ્રાન્ડનું દૂધ જ ખરીદે અને શંકાસ્પદ દૂધના વેચાણ અંગે તરત જ જાણ કરે.આ કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.

