કાર્યવાહી@સાબરકાંઠા: પ્રાંતિજમાં અકસ્માત થયેલી કારમાંથી દોઢ કરોડ રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

 
અકસ્માત

લૂંટારૂઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં દોઢ કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. જાણ ખુદ કાર ચાલકે કરી હતી, આ પછી એલસીબી અને એસઓજીની ટીમો દોડતી થઇ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા દલાની મુવાડીમાં આજે એક મોટી લૂંટની ઘટના ઘટી હતી.

આ લૂંટ અંદાજિત દોઢ કરોડ હોવાનું સામે આવ્યુ છે. માહિતી પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામે આજે એક કાર અકસ્માત થયો હતો, જેમાં કાર પલટી ગઇ હતી, કાર ચાલકે આ અકસ્માત બાદ પોલીસને જાણ કરી હતી કે, કારમાંથી બે થેલી ભરેલા દોઢ કરોડ રૂપિયા લૂંટાઇ ગયા છે. આ પછી સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લા પોલીસ પણ આ લૂંટને પગલે દોડતી થઇ હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ માટે અત્યારે સ્થાનિક પોલીસ ઉપરાંત LCB, SOG સ્થળ પર પહોંચી છે અને લૂંટારૂઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.