કાર્યવાહી@સુરત: લસકાણા ડાયમંડનગરમાં ચાલતા નકલી પાન-મસાલાનું મોટું રેકેટ ઝડપાયું

 
કાર્યવાહી
કંપનીને જાણ થઈ હતી કે તેમની પ્રોડક્ટ્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર ગેરકાયદેસર વેચાઈ રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં નકલી શેમ્પૂના રેકેટનો પર્દાફાશ થયાના માત્ર ચાર દિવસ બાદ પોલીસે લસકાણા ડાયમંડનગરમાં ચાલતા નકલી પાન-મસાલાના રેકેટનો ભાંડો ફોડ્યો છે. જાણીતી બ્રાન્ડ્સ તુલસી અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવીને બજારમાં ઠલવાતા હતા. લસકાણા પોલીસે રાત્રે ધમધમતી આ ફેક્ટરી પર દરોડો પાડી, એક શખ્સની ધરપકડ કરી અને 10 લાખ રૂપિયાનો કાચો માલ જપ્ત કર્યો.લસકાણા પોલીસે ડાયમંડનગરમાં કળથિયા કોર્પોરેશન-3માં આવેલા એક કારખાનામાં દરોડો પાડ્યો.

આ ઓપરેશનમાં નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિ.ના સિનિયર મેનેજર વિનય મલિક પણ સામેલ હતા, જેમને તુલસી અને રજનીગંધા બ્રાન્ડ્સ દ્વારા ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ શોધવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નોઈડાની આ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ બાતમી આપી હતી કે ડાયમંડનગરમાં નકલી પાન-મસાલાની ફેક્ટરી ચાલે છે.

પોલીસે રેડ દરમિયાન 5.4 કિલો લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગ્નેશિયમ કાર્બોનેટ પાઉડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન અને તુલસી ગુટકા તથા રજનીગંધાના સ્ટિકરવાળા પાઉચનો જંગી જથ્થો જપ્ત કર્યો. 6 કિલોથી વધુ ફ્લેવર એસેન્સ પણ મળી આવ્યું, જેનો ઉપયોગ બ્રાન્ડેડ પાન-મસાલા જેવી સ્મેલ લાવવા માટે કરવામાં આવતો હતો.દરોડા દરમિયાન પોલીસે રમેશ હરિ ભેસરફાલ (રહે. રાજહંસ વિંગ, પાલનપોર કેનાલ રોડ, મૂળ રહે. ઘરાણાગામ, ભચાઉ)ની ધરપકડ કરી. પૂછપરછમાં રમેશે જણાવ્યું કે આ કારખાનું જયેશ પડસાળા (રહે. મોટા વરાછા)નું છે, જે માલની સપ્લાયનું કામ સંભાળે છે. પોલીસે જયેશ પડસાળાને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.