કાર્યવાહી@સુરત: 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપાયું, 7 આરોપીઓની ધરપકડ, તપાસમાં મોટા ખુલાસા

 
કોબ્રા
SOGને આંતરરાજ્ય નેટવર્કની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રૂ. 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર ઝડપાયું છે. આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સુરતમાં કરોડો રૂપિયાનો ગેરકાયદેસર સોદો કરવાની તૈયારીમાં હતા. આ આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.બે આરોપીઓને 10 લાખ રૂપિયાનું દેવું થઈ જતા બે વર્ષથી કોબ્રા ઝેર વેચવાનો પ્રયાસ કરતા હતા. આ આરોપીઓ કોબ્રા ઝેર લેવાવાળા ગ્રાહકો શોધી રહ્યા હતા.

તપાસમાં ખુલાસો થયો છે કે, અમદાવાદના ઘનશ્યામ સોનીની પ્રશાંત શાહ સાથે બે-ત્રણ વર્ષથી મિત્રતા હતી. ઘનશ્યામ સોનીએ પ્રશાંત શાહ અને મકરંદ કુલકર્ણીને રૂપિયા 10 લાખ ઉછીના આપ્યા હતા તથા GIDCમાં પ્લાસ્ટિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગનો ધંધો શરૂ કર્યો હતો. ધંધામાં નુકસાન જતા ઘનશ્યામ સોની તરફથી પૈસાની ઉઘરાણી શરૂ થઈ હતી. સમગ્ર મામલા વિશે જાણીએ તો પોલીસે અંદાજે રૂપિયા 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર જપ્ત કર્યું હતું.

વડોદરાથી સુરત ઝેર વેચવા આવેલા સાત શખ્સોની ટોળકીને પોલીસે સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, એક ગેંગ કરોડોનું સાપનું ઝેર વેચવા માટે ધમપછાડા કરી રહ્યા છે. આ ટોળકીને પોલીસે 9.10 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. નાણાંની લાલચમાં આવી ગયેલી આ ટોળકી સોદો નક્કી કરવા માટે સરથાણા વિસ્તારમાં મિટિંગ કરવા પહોંચી હતી. જ્યાં અગાઉથી વોચમાં રહેલી પોલીસે ત્રાટકીને સાતેય આરોપીઓને દબોચી લીધા હતા. SOG દ્વારા આરોપીઓ પાસેથી આશરે 6.5 મિલીલીટર કોબ્રા સાપનું પ્રતિબંધિત ઝેર જપ્ત કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમત અંદાજે રૂ. 5,85,00,000 થાય છે. સમગ્ર મુદ્દામાલ કાયદેસર રીતે કબ્જે લેવામાં આવ્યો છે.

આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને તેને સુરતમાં વેચવાની તૈયારી ચાલી રહી હતી. સાપના ઝેરનો વૈદ્યકીય ઉપયોગ કાયદેસર અને નિયંત્રિત પરિસ્થિતિમાં સાપના ઝેરનો ઉપયોગ વૈદ્યકીય ક્ષેત્રમાં થાય છે, જેમ કે - બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા, લોહી ગંઠાવવાની દવાઓમાં, હાર્ટ એટેકથી બચાવ માટે, એન્ટી-વેનોમ, સાપ કરડ્યા પછીની દવા બનાવવા, કેન્સરના ઉપચાર માટે સંશોધનમાં. પરંતુ આ ઝેરનો ગેરકાયદેસર વેપાર અને ઉપયોગ ગંભીર ગુનો ગણાય છે. છેલ્લા સમયમાં કેટલીક રેવ પાર્ટીઓમાં નશો કરવા સાપના ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે. આંતરરાજ્ય નેટવર્કની આશંકા SOGને આશંકા છે કે આ કેસમાં આંતરરાજ્ય તસ્કરી રેકેટ સંડોવાયેલું છે. સમગ્ર ગેંગના મૂળ સુધી પહોંચવા માટે સુરત SOG દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.