કાર્યવાહી@સુરત: નાયબ કાર્યપાલક ઇજનેર રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપાયો

 
ઈજનેર
ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાંથી નાયબ કાર્યપાલક ઇજનેરને રૂપિયા 50 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. ઇચ્છાપોર GIDCમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને માસિક રૂપિયા 1.30 લાખ પગાર મળતો હતો. એટલે કે વર્ષે તેને 15 લાખ જેટલો પગાર મળતો હોવા છતાં તેણે 50 હજારની લાંચ માંગી હતી.

ફરિયાદીના સુરત ભાટપોર જી.આઇ.ડી.સી.માં બે પ્લોટ ઔદ્યોગિક હેતું માટેનાં આવેલા હતા. જી.આઇ.ડી.સી.નાં જૂના બનેલા શેડનું ડિમોલેશન કરવાનું હોય તેમણે જરૂરી મંજૂરી મેળવવા અરજી કરી હતી. જે બન્ને પ્લોટનાં શેડની ડિમોલેશનની પરવાનગી આપવાની કાર્યવાહી કરી આપવાનાં અવેજ પેટે નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઇ પટેલએ રૂ.50,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ તેઓ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. તેમની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિમલ પટેલ હેતુલક્ષી વાતચીત કરી 50,000 રુપિયાની લાંચની રકમ સ્વીકારતા સ્થળ ઉપર પકડાયા હતા. આ સફળ ટ્રેપ બાદ ACB હવે આરોપી પરિમલ પટેલના તમામ બેંક એકાઉન્ટ્સ અને સંપત્તિની સઘન તપાસ કરશે.