કાર્યવાહી@સુરત: નકલી એવરેસ્ટ અને મેગી મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 5 આરોપીઓની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાં શહેર ઝોન-2 પોલીસ અને ઉધના પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઉધનાના ચામુંડા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ધમધમતી નકલી એવરેસ્ટ અને મેગી મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. કુલ 24,71,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ નકલી મસાલાના કારખાનાનો મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરી માલિક હાલ વોન્ટેડ જાહેર કરાયો છે.
પોલીસને ઉધના ચામુંડા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીમાં પ્રખ્યાત બ્રાન્ડના નકલી મસાલા બનાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ચાર કારીગરો નકલી મસાલા બનાવતા અને પેક કરતા રંગેહાથ ઝડપાયા હતા. પકડાયેલા કારીગરોમાં વિનોદ રાજેન્દ્ર દાસ, કેલુ મુર્મ, વિનોદ પુના દાસ અને સુરેન્દ્રકુમાર દાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસે ફેક્ટરીનું સંચાલન કરનાર સુનિલ સોની નામના એક આરોપીની પણ ધરપકડ કરી છે.
પોલીસે ફેક્ટરીમાંથી એવરેસ્ટ અને મેગી મસાલાના કંપનીના પેકિંગ બોક્સ સહિત મસાલા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો પણ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નકલી મસાલાનું કારખાનું છેલ્લા પાંચ મહિનાથી ધમધમી રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન બજારમાં કેટલા મોટા પ્રમાણમાં નકલી મસાલા વેચાયા હશે તે મુખ્ય આરોપી સામે આવ્યા બાદ જ પકડાશે. આ કેસમાં ફેક્ટરીના માલિક અનિલ ગુમાનસિંઘ ગોયલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.