કાર્યવાહી@સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર નવરાત્રિ મહોત્સવમાં નકલી PSI ઝડપાયો

નકલી PSI નો ઝોન-7 DCP શેફાલી બરવાલે ભાંડો ફોડ્યો હતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કોઈ પણ નકલી ચીજ વસ્તુથી લઈને અધિકારી સુધીના ભાંડાફોડ થઈ રહ્યા છે, ત્યારે હવે સુરતમાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર નવરાત્રિ મહોત્સવમાં નકલી PSI ઝડપાયો છે. એક યુવક નકલી PSI બનીને ગરબાના VIP ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. ડુમસના YPD ડોમમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં નકલી PSI નો ઝોન-7 DCP શેફાલી બરવાલે ભાંડો ફોડ્યો હતો.યુવરાજસિંહ રાઠોડ PSI તરીકે યુવકે પોતાની ઓળખ આપી હતી.
હાથમાં વોકીટોકી રાખીને ફરતો હતો જેથી સૌ કોઈનું ધ્યાન ગયુ હતું. DCP શેફાલી બરવાલ રૂટિન વિઝિટ માટે ડુમસના YPD ડોમમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં હતા. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતાં સમયે તેમની નજર એક શખ્સ પર ગઈ હતી. તે સામાન્ય નાગરિક હોવા છતાં પોલીસ અધિકારીઓ સાથે ઊભો હતો.તેના વર્તન પર શંકા જતાં DCPએ આયોજકોને પૂછપરછ કરી હતી.પૂછપરછ કરતાં આયોજકોએ કહ્યું કે તે યુવક પોલીસ અધિકારી છે સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓનો પરિચિત છે.
આયોજકોની વાત સાંભળતાની સાથે તરત જ DCPએ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. તેમણે પોલીસ કર્મચારીઓને યુવકની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી હતી. યુવકની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે યુવરાજ રાઠોડ મૂળ ભાવનગરનો અને હાલમાં વરાછા રહે છે. યુવરાજના મોબાઇલમાં સેલિબ્રિટી અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટા મળી આવ્યા હતા. જેના આધારે નાગરિકો સામે પોતાનો રોફ જમાવવાનો પ્રયત્ન કરતો હતો.
યુવરાજની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી. તે અસલી પોલીસ અધિકારીઓની જેમ વાળ અને મૂછ રાખીને આવ્યો હતો. તેના હાથમાં વોકી-ટોકી પણ હતું. જે તેણ હોટેલ ચલાવતા મિત્ર પાસેથી મેળવ્યું હતું. 'હું યુવરાજસિંહ PSI છું અને હાલમાં ડ્યુટી પર છું' એવું કહીને તે YPD ડોમના મુખ્ય પ્રવેશદ્વાર પરથી VIP એન્ટ્રી મેળવવામાં સફળ રહ્યો હતો. એટલું જ નહીં તે સીધો VIP અને સેલિબ્રિટીઝની બેઠક હતી ત્યાં પહોંચી ગયો હતો.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવરાજ રાઠોડ બે દિવસથી પોલીસના નામનો દુરુપયોગ કરી નવરાત્રિ મહોત્સવમાં આવતો હતો. અગાઉના દિવસે તેણે VIP વિસ્તારમાં જઈ સેલિબ્રિટીઓ સાથે ફોટા પડાવ્યા હતા. તેના વડોદરામાં રહેતા સંબંધીઓ પોલીસમાં હોવાથી તે પોલીસની ગતિવિધિઓથી પરિચિત હતો. જેનો તેણે ફાયદો ઉઠાવ્યો હતો. ડુમસ પોલીસે આયોજક નયન માંગરોળિયાની ફરિયાદના આધારે યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.