કાર્યવાહી@સુરત: જાણીતી બ્રાન્ડના નામે બનાવટી સાબુ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરના સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં ડુપ્લીકેટ પ્રોડક્ટ્સનું દૂષણ વકરી રહ્યું હોય તેમ જણાય છે. સરથાણા વિસ્તારમાં જાણીતી બ્રાન્ડના નામે બનાવટી સાબુ બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 'યામી શોપ પ્રાઇવેટ લિમિટેડ' ના ઓથોરાઈઝ પર્સનની ફરિયાદને આધારે પોલીસે સૂર્યોદય રો હાઉસ ખાતે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન જાણીતી બ્રાન્ડના નામે સાબુ બનાવવા માટે વપરાતી ડાઈ, તૈયાર બનાવટી સાબુ, સ્ટીકર્સ અને પેકિંગ કવર મળી આવતા પોલીસે કુલ 6.67 લાખ રૂપિયાની મત્તા કબજે કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, ઓનલાઇન ખરીદી કરતા ગ્રાહકોને ફસાવવા માટે 10 અલગ-અલગ વેબસાઈટ્સ દ્વારા બનાવટી સાબુનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી કારખાનેદારની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ઓનલાઇન ખરીદી કરતા ગ્રાહકોમાં ફાળી પડ્યો છે અને સુરતની ઓળખ ‘ડુપ્લીકેટિંગ હબ’ તરીકે ઉભરી આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

