કાર્યવાહી@સુરત: સ્મીમેર હોસ્પિટલમાં 19 લેટલતીફ ડોક્ટરોને કારણ દર્શક નોટિસ, સમગ્ર હેલ્થ વિભાગમાં ફફડાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ અચાનક ઓચિંતી મુલાકાત લેતાં ભારે હડકંપ મચી ગયો હતો. નિયમ મુજબ સવારે 9:00 વાગ્યાનો હોસ્પિટલનો સમય હોવા છતાં સવારે 10:00 વાગ્યા સુધી ઓપીડી વિભાગમાં ઘણા ડોક્ટરો ગેરહાજર જણાતાં વહીવટી તંત્રની આકરી નજર પડી હતી. દૂર-દૂરથી આવેલા દર્દીઓ સારવાર માટે રાહ જોઈને બેઠા હતા પરંતુ તબીબો પોતાની કામગીરી પર હાજર નહોતા.આ ગંભીર બેદરકારી બદલ ઓચિંતી મુલાકાતમાં ગેરહાજર ઝડપાયેલા એસોસિયેટ પ્રોફેસર સહિત 19 જેટલા લેટલતીફ તબીબો સામે મનપા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
અગાઉ પણ આ તબીબોને સમયસર હાજર રહેવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી, છતાં આદેશોની અવગણના કરાતાં મનપા તંત્રએ તમામ 19 ડોક્ટરોને શો-કોઝ નોટિસ ફટકારી છે. આ આકરી કાર્યવાહી બાદ મનપા દ્વારા તબીબોની શિસ્ત જાળવવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે જો કોઈ ડોક્ટરે ઓપીડી છોડીને અન્ય ડિપાર્ટમેન્ટમાં જવું હશે તો પણ તેમણે રજિસ્ટરમાં સમય અને કારણ સાથે સત્તાવાર એન્ટ્રી કરવી ફરજિયાત રહેશે.

