કાર્યવાહી@સુરત: SMC અને ફૂડ વિભાગે બોલાવી ધડબડાટી, તમામ નમૂના નિષ્ફળ જતાં તંત્ર આકરા પાણીએ

 
કાર્યવાહી
સુરતીઓ માટે ચિંતાજનક બાબત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહીએ મિલાવટખોરોને બરોબરના સકંજામાં લીધા છે. સુરતમાં SMC અને ફૂડ વિભાગની કાર્યવાહીમાં પાડવામાં આવેલા દરોડામાં દૂધ અને આઇસક્રીમના સેમ્પલ નિષ્ફળ જતાં તંત્ર ચોંકી ઉઠ્યુ હતુ. આ નમૂના પાછા એક કે બે નહીં પણ દસ સ્થળેથી લેવાયા હતા. આ દસેય સ્થળના નમૂના નિષ્ફળ જતાં તંત્ર આકરા પાણીએ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફૂડ વિભાગ બંને આ બાબતને લઈને મિલાવટખોરોની સામે આકરી કાર્યવાહી કરી શકે છે.

આ બતાવે છે કે સુરતીઓએ આ ઉનાળામાં દૂધ અન આઇસક્રીમ બંનેમાં સાવધાની દાખવવી પડશે. સુરતની સિંગણપોર રોડની શ્રીનાથ દૂધ ડેરીના નમૂના ફેઇલ ગયા છે. બમરોલીમાં શ્રીકૃષ્ણા ડેરીમાં ગાયનું દૂધ પણ ઉતરતી ગુણવત્તાનું હોવાનું માલૂમ પડ્યું હતું. ઉનની એવન ડેરીમાં પણ દૂધના અને આઇસક્રીમના નમૂના નિષ્ફળ ગયા હતા. આ ઉપરાંત ચામુંડા ડેરીના નમૂના પણ નિષ્ફળ ગયા હતા. તેના પછી નાનપુરામાં શ્રી ભાગ્યલક્ષ્‍મી ડેરીના નમૂના પણ નિષ્ફળ ગયા હતા.એસએમસીએ આ ઉપરાં પાંડેસરામાં એસકે પટેલ, તબેલો ડેરી અને આબ્રામા રોડ પર રાધે દૂધ મંડળી પર પણ ત્રાટકી હતી આ બધા સ્થળોએ તેના નમૂના ફેઇલ ગયા હતા. પાર્લે પોઇન્ટમાં સિદ્ધિ આઇસક્રીમના નમૂના પણ ફેલ ગયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આ દરોડા બતાવે છે કે સુરતીઓ કેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ તેમના પેટમાં પધરાવી રહ્યા છે. તેઓ ખરેખર આનાથી ચેતવું પડશે.