કાર્યવાહી@સુરત: ડ્રેનેજ લાઈનોમાં ગેરકાયદેસર ઝેરી કેમિકલ ઠાલવતા 2 મોટા ટેન્કર રંગેહાથ ઝડપાયા

 
કાર્યવાહી
આશરે 27 ટન અને 23 ટન જેટલો ઝેરી કેમિકલનો જથ્થો હોવાનું સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં ફરી એકવાર પર્યાવરણ અને જન આરોગ્ય સાથે ચેડાં કરવાનું મોટું કાવતરું સામે આવ્યું છે. દહેજ અને પાનોલીની ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતું અત્યંત ઝેરી કેમિકલ સુરતની ડ્રેનેજ લાઈનોમાં ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવી રહ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ બાતમીના આધારે દરોડા પાડીને કેમિકલથી ભરેલા બે મોટા ટેન્કર ઝડપી પાડ્યા છે.

આ ટેન્કરોમાં આશરે 27 ટન અને 23 ટન જેટલો ઝેરી કેમિકલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે. જે શહેરની ગટર લાઈનમાં વહાવી દેવાની પેરવી કરવામાં આવી રહી હતી. શહેરમાં ભૂતકાળમાં પણ આ પ્રકારે ગેરકાયદે કેમિકલ ઠાલવવાને કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે. જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમ છતાં કેમિકલ માફિયાઓ આર્થિક ફાયદા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. GPCB એ બંને ટેન્કરો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. આ કેમિકલ કઈ કંપનીનું છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.