કાર્યવાહી@સુરેન્દ્રનગર: કોટન ફેકટરીના સંચાલકો દ્વારા 200 કરોડથી વધુનું ઉઠમણુ, ખેડૂતો-વેપારીઓમાં મચી દોડધામ
250 મજૂરોને ખાવાના પણ ફાંફાં થયાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચોટીલા થાન હાઇવે ઉપરની કોટન ફેકટરીના સંચાલકો દ્વારા 200 કરોડ જેટલી રકમનું ઉઠમણુ કરી નાસી ગયા. મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો અને વેપારીઓ ફેકટરીએ દોડી ગયા હતા.ફેકટરીને રાતોરાત આવજો કરીને નાસી ગયેલા સંચાલકો બાદ માત્ર મજૂરો જ હાજર હોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ ચોટીલા પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
ચોટીલા થાનગઢ હાઇવે ઉપર સિધ્ધનામ કોટેક્ષ પ્રા. લિ. નામની ફેકટરીમાં જીનીંગ અને સ્પીનીંગની કામગીરી કરાતી હતી. એકાએક કંપની મંદીમાં સપડાઇ હોય એમ વેપારીઓ અને ખેડૂતોને ગત તા. 15મી ઓગસ્ટ નજીકની તારીખના ચેક આપ્યા હતા. પરંતુ ખેડૂતોને આપેલા ચેક પાસ ન થતા અને વેપારીઓને આપેલા સમયે નાણાં નહીં મળતા પેઢી ગયાની જાણ થતા મંગળવારે મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો ફેકટરી સામે ઉમટી પડયા હતા. બીજી તરફ ફેકટરીમાં કામ કરતા 250 જેટલા મજૂરોને પણ પગાર ચૂકવ્યો ન હતો. જેથી તેઓ પણ ફેકટરી સામે પહોચી ગયા હતા.
બીજી તરફ ફેકટરી સંચાલકો કે મેનેજર સહિતના તમામ સ્ટાફ ફેકટરી છોડીને ચાલી ગયા હોવાથી માત્ર પરપ્રાંતીય શ્રામીકો જ હાજર હતા.જેથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચોટીલા પી.આઇ. આઇ.બી.વલવીએ ફેકટરી ઉપર તુરત જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તાલુકા ગ્રામ્યના ખેડૂતોની સાથે ચોટીલા એપીએમસીના વેપારીઓના પણ નાણા ચુકવવાના બાકી હતા. પ્રાથમીક જાણકારી મુજબ રૂ. 200 કરોડનું ઉઠમણુ કરી સંચાલકો નાસી ગયાનું જાણવા મળ્યુ છે.
ચોટીલા એપીએમસીના ચેરમેન જયરાજભાઇ ધાંધલે જણાવેલ કે તાલુકા ગ્રામ્યના ખેડૂતો અને એપીએમસીના વેપારીઓ સહિતનાનું આશરે 200 કરોડ રૂપિયાનું ઉઠમણું કરી જીનીંગ ફેટકરીના સંચાલકો નાસી ગયા છે. આથી તેઓ પોલીસ ફરિયાદ કરાવવા માટે કાર્યવાહી કરાવી રહયા છીએ. ચોટીલા પોલીસ મથકના પીઆઇ આઇ. બી. વલવીએ જણાવેલ કે ફેકટરી પાસેથી નાણાં લેવાના બાકી હોય એવા ખેડૂતો ફરિયાદ કરવા આવી રહયા છે.