કાર્યવાહી@સુરેન્દ્રનગર: મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ઉપરાંત કલાર્ક સહિત કુલ ત્રણ લાંચ લેતાં ઝડપાયા

 
લાંચ
એક ડમ્પર દીઠ રૂા. ૫૦૦ લેખે રૂા. ૧૫૦૦ની લાંચની માગણી કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં આજે એસીબીએ એક જ દિવસમાં બે ટ્રેપ ગોઠવી ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ઉપરાંત ખાણ ખનિજ વિભાગના કલાર્ક સહિત કુલ ત્રણને લાંચ લેતાં ઝડપ્યા છે. આ બંને ટ્રેપ એસીબીના રાજકોટ અને ભાવનગર એકમ દ્વારા ગોઠવવામાં આવી હતી. ફરિયાદીના સંબંધીએ નવાગામ સર્વે નં.૬પની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. જમીનની ગામ નમુના નં.૬માં નોંધ કરાવવાના બદલામાં ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જીજ્ઞોશ હરિભાઈ પાટડીયાએ રૂા.૧ લાખની લાંચ માંગી હતી.

અંતે રૂા.૪૦ હજાર લેવાનું નકકી કર્યું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીના ભાવનગર એકમના પીઆઈ આર. ડી.સગરે ટ્રેપ ગોઠવી આરોપી જીજ્ઞોશભાઈને તેની જ ચેમ્બરમાંથી રૂા.૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. બીજા કેસમાં સુરેન્દ્રનગરના ખાણ ખનિજ વિભાગના નાકા ક્લાર્ક સાજીદખાન અહેમદખાન પઠાણ અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશ હીરાભાઈ ઝાલાને આજે એસીબીએ રૂા. ૧૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ તપાસ આગળ ધપાવી છે. ફરિયાદીના ત્રણ ડમ્પર ખનિજ વહન માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલે છે. જેથી લીંબડી પાસેના કટારિયા ગામના બોર્ડ પાસે આવેલી ખાણ ખનિજ વિભાગની ચેકપોસ્ટના નાકા ક્લાર્ક સાજીદખાન અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશે ફરિયાદી પાસેથી એન્ટ્રીનાં અને હેરાનગતિ નહીં કરવાના બદલામાં એક ડમ્પર દીઠ રૂા. ૫૦૦ લેખે રૂા. ૧૫૦૦ની લાંચની માગણી કરી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબી રાજકોટ વિભાગના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલ પાસે ફરિયાદ કરી હતી. જેથી પીઆઈ એમ.એમ. લાલીવાલાએ ટ્રેપ ગોઠવી હતી. નક્કી થયા બાદ મુજબ ફરિયાદી ખાણ ખનિજ વિભાગની ચેક પોસ્ટે પહોંચ્યા હતા. જ્યાં નાકા ક્લાર્ક સાજીદખાન અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશ રૂા. ૧૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતાં. બંને આરોપીઓ સામે એસીબીએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.