કાર્યવાહી@સુરેન્દ્રનગર: હોટલના કમ્પાઉન્ડમાંથી 1.50 કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાતા ખળભળાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
SMCની ટીમે સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પરથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. હાઈવે પર આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાંથી અંદાજે 1.50 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે માલવણ હાઈવે પર આવેલી હોટલના કમ્પાઉન્ડમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પાર્ક કરેલી એક શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.વિદેશી દારૂની 33,816 નંગ બોટલ જેની કિંમત અંદાજે 1.50 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રકચાલક સતેન્દ્રપાલ બલવીરસિંગની ધરપકડ કરી છે. જે ઉત્તર પ્રદેશનો છે. પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 5 શખસો સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરની SMC ટીમ જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડે છે. ત્યારે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા કે મીલીભગત સામે અનેક સવાલો ઊભા થયા છે. કરોડોનો દારૂ હાઈવે પરની હોટલ સુધી પહોંચી ગયો અને સ્થાનિક પોલીસને જાણ પણ ન થઈ, તે બાબત અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે.

