કાર્યવાહી@વડોદરા: રેલવેની ભરતીમાં લાંચ સંબંધિત કેસમાં પાંચ રેલવે અધિકારી સહિત 6ની ધરપકડ

 
કાર્યવાહી
કેટલાક મહત્ત્વના દસ્તાવેજોની શોધખોળ ચાલી રહી છે

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રેલવેની પરીક્ષામાં લાંચ સંબંધિત કેસમાં CBIએ વડોદરામાં મોટી કાર્યવાહી કરી છે. CBIએ વડોદરામાં દરોડા પાડીને પાંચ રેલવે અધિકારી સહિત કુલ છ વ્યક્તિની ધરપકડ કરી છે. આ દરમિયાન 650 ગ્રામ સોના સહિત 5 લાખની રોકડ રકમ પણ જપ્ત કરાઈ છે. આજે (19 ફેબ્રુઆરી) બપોરથી પ્રતાપનગર રેલવે ઓફિસમાં CBI ની ટીમે ધામા નાંખ્યા હતા. રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. વડોદરા રેલવે ડી.આર.એમ. ઓફિસમાં નોકરી કરતા સિનિયર પર્સનલ ઓફિસર સહિત ચાર કર્મચારીઓના ઘરે CBIની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો સંદર્ભે આ તપાસ હાથ ધરાઈ હતી. આ અંગે સ્થાનિક પોલીસને કોઇ જાણકારી નથી. જે અંગે CBI દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસનો રેલો વડોદરા ડિવિઝન સુધી પહોંચ્યો છે. આજે સવારથી જ  ડી.આર.એમ. ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સિનિયર પર્સનલ ઓફિસર સુનિલકુમાર બિશ્નોઇની ઓફિસને સીલ કરવામાં આવી હોવાનું રેલવેના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત રેલવે કોલોનીમાં તેઓના બંગલામાં પણ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સુનિલકુમાર ઉપરાંત અન્ય એક ઓફિસર અને બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

મોડીરાત સુધી ઓફિસ અને ઘરે તપાસ કરી કેટલાક મહત્ત્વના દસ્તાવેજોની શોધખોળ ચાલી રહી છે. રેલવેના બે અધિકારીઓ તથા બે કર્મચારીઓના નોકરીના સ્થળે તથા ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે. CBIની ટીમ દ્વારા આક્ષેપો અંતર્ગત જરૂરી દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુનિલ કુમાર છેલ્લા બે વર્ષથી વડોદરામાં ફરજ બજાવે છે. તેમણે આઇ.આર.પી.એસ.ની પરીક્ષા પાસ કરી હતી. CBIની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ રેલવે સ્ટાફમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે. વડોદરામાં આ ઓફિસરો દ્વારા પણ કોઇ ગેરરીતિ કરવામાં આવી છે કે નહીં ? તેની તપાસ કરવામાં આવી રહી છે.