કાર્યવાહી@વડોદરા: પોલીસ સ્ટેશનના પીઆઇના નામે 2.50 લાખની લાંચ લેતા વેપારીને ACBએ ઝડપ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવાના નામે રૂપિયા 2.50 લાખની લાંચ લેતા વેપારીને એ.સી.બી. અમદાવાદની ટીમ દ્વારા રંગેહાથ પકડવામાં આવ્યો છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વારસીયા વિસ્તારમાં સર્વે નં. 329ની જમીનમાં અજાણ્યા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હતું. જમીન માલિકે આ બાબતે વારસીયા પોલીસ સ્ટેશનમાં અનેક વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.
જમીન માલિક પાસેથી ફરિયાદ દાખલ કરવા માટે વડોદરાના વેપારી સુરેશભાઈ રામચંદ તોલાણી (રહે. બી/40, ગોકુલનગર સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ, વડોદરા) દ્વારા પીઆઇ વસાવાના નામે લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચની માગણી પ્રમાણે, ફરિયાદ દાખલ કરતા પહેલા રુપિયા 2.50 લાખ અને દાખલ થયા બાદ બાકી 2.50 લાખ આપવાની શરત મુકવામાં આવી હતી. લાંચની માગણીને લઇને જમીન માલિકે એ.સી.બી.નો સંપર્ક કર્યો.
એ.સી.બી. દ્વારા પૂર્વ આયોજન હેઠળ ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ ચોખંડી વિસ્તારમાં આવેલી અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં લાંચ લેતા આરોપી રંગે હાથે ઝડપાયો હતો. વારસીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એમ. વસાવાએ જણાવ્યું કે, "હું લાંચ માંગનાર વ્યક્તિને ઓળખતો નથી. મારા નામનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો છે. આ બાબતમાં મને કોઇ જાણકારી નથી."

