કાર્યવાહી@વડોદરા: માંજલપુરમાં ફ્લેટમાં ચાલી રહેલા કથિત ઓનલાઈન ન્યૂડ કોલ સેન્ટરનો પર્દાફાશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના માંજલપુરમા પોલીસે ફ્લેટમાં ચાલી રહેલા કથિત ઓનલાઈન ન્યૂડ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પ્રકૃતિ ફ્લેટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર, ફ્લેટમાંથી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વાંધાજનક લાઈવ વીડિયો કોલ સંબંધિત પ્રવૃત્તિ ચાલી રહી હતી.આ કામગીરી માટે 'Stripchat' નામના પ્લેટફોર્મનો ઉપયોગ થતો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, યુવતીઓને ફ્લેટ પર બોલાવી વિદેશી તેમજ સ્થાનિક ગ્રાહકો સાથે ઓનલાઈન વીડિયો કોલ કરાવવામાં આવતા હોવાનો પોલીસનો આરોપ છે.
આ સમગ્ર પ્રવૃત્તિ ફ્લેટમાંથી ગુપ્ત રીતે ચલાવવામાં આવતી હોવાની માહિતીના આધારે માંજલપુર પોલીસે કાર્યવાહી કરી હતી.પોલીસ હવે આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ કરી રહી છે. દરોડા દરમિયાન પોલીસે મનીષ પઢિયાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ઓનલાઈન પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ સાધનો પણ કબજે કર્યા છે.પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી દરમિયાન 3 લેપટોપ, 2 કેમેરા, મોબાઈલ ફોન સહિતના અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલને તપાસના ભાગરૂપે કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જણાવાયું છે. હવે પોલીસ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.
આ મામલે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા લેપટોપ, કેમેરા અને મોબાઈલ ફોન સહિતના ડિજિટલ સાધનોની તપાસ કરવામાં આવશે. આ તપાસમાંથી ઓનલાઈન પ્લેટફોર્મ પરના સંપર્કો, વ્યવહારો અને અન્ય સંભવિત આરોપીઓ અંગે મહત્વની માહિતી મળી શકે છે.

