કાર્યવાહી@વડોદરા: સાયબર ફ્રોડ આચરતી ખતરનાક ગેંગનો પર્દાફાશ, 210 કરોડનું કૌભાંડ ઝડપાયું

 
કૌભાંડ

કાર્યવાહીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાયબર ક્રાઈમ રોકવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન મ્યૂલ હન્ટ'માં પોલીસને એક મોટી સફળતા મળી છે. વડોદરા શહેરને કેન્દ્ર બનાવીને દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી એક ખતરનાક ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યોએ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન દ્વારા નિર્દોષ લોકોના પરસેવાની કમાણી લૂંટી લીધી હતી. ગુજરાત પોલીસની આ કાર્યવાહીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ આખી ગેંગ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પોતાનું નેટવર્ક ચલાવી રહી હતી. તેઓ સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવીને તેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં છુપાવવા માટે કરતા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આ ગેંગના અડ્ડાઓ પર દરોડા પાડીને તેમનું આખું નેટવર્ક તોડી પાડ્યું છે. આ ગેંગ દ્વારા દેશભરમાં કુલ 273 જેટલા ગંભીર સાયબર ગુનાઓ આચરવામાં આવ્યા છે. સૌથી વધુ હેરાન કરનારી બાબત એ છે કે આ ગેંગે અત્યાર સુધીમાં અંદાજે 210 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું ખુલ્યું છે. આ રકમ અલગ-અલગ 'મ્યૂલ એકાઉન્ટ્સ' દ્વારા ટ્રાન્સફર કરીને સગેવગે કરવામાં આવતી હતી.ગુજરાત પોલીસે આ મામલે સઘન કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં કુલ 7 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ તમામ આરોપીઓ સાયબર ટેકનોલોજી અને બેંકિંગ પ્રક્રિયામાં માહેર હતા. પોલીસ હાલ આ આરોપીઓની પૂછપરછ કરી રહી છે, જેમાં હજુ પણ અનેક મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા છે. તેમની પાસેથી અનેક મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને બેંક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાતના SP રાજદીપ સિંહ ઝાલાએ આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ સાયબર ગુનેગારોના મૂળ સુધી પહોંચી રહી છે.