કાર્યવાહી@વડોદરા: સાવલીમાં ખાણ ખનીજ વિભાગે ઓચિંતી રેડ પાડીને કરોડો રૂપિયાના સાધનો અને ટ્રકો જપ્ત કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાવલી તાલુકાના અમરાપુરા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગે સાવલી પોલીસને સાથે રાખીને ઓચિંતી રેડ પાડીને કરોડો રૂપિયાની કિંમતના સાધનો અને ટ્રકો જપ્ત કર્યા છે. જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરાના સાવલીમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ રીતે ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોવાની ફરિયાદો મળતી હતી.
આ ફરિયાદોને આધારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી અને અમરાપુરા ગામની સીમમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું. ખાણ ખનીજ વિભાગની ટીમે સાવલી પોલીસની મદદથી અમરાપુરા ગામમાં દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહેલા માફિયાઓ નાસી છૂટ્યા હતા. પરંતુ ઘટના સ્થળેથી 9 હાઈવા ટ્રક, 4 હિટાચી મશીન સહિતની કરોડો રૂપિયાની કિંમતની મશીનરી જપ્ત કરવામાં આવી હતી.આ જપ્તીથી ખનીજ માફિયાઓને મોટું નુકસાન થયું છે અને તેઓમાં દોડધામ મચી ગઈ છે. ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલા તમામ મુદ્દામાલને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.