કાર્યવાહી@વડોદરા: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડા, 51 લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત

 
કાર્યવાહી
આ કાર્યવાહીને પગલે શહેરમાં દારૂબંધીની અમલવારીને લઇને સવાલો ઉઠ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ વચ્ચે આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા વડોદરાના કપુરાઇ પોલીસ મથક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રૂ. 51 લાખથી વધુનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીને પગલે શહેરમાં દારૂબંધીની અમલવારીને લઇને સવાલો ઉઠવા પામ્યા છે.

અગાઉ જે પોલીસ મથક વિસ્તારોમાં સ્ટેટ મોનિયરિંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યાં બાદમાં પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે કોઇ કાર્યવાહી થાય છે કે કેમ, તેના પર સૌ કોઇની નજર રહેશે.રાત્રે 12 વાગ્યે દિવસ બદલાતા સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેરના કપુરાઇ પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેસ્ટેરિયા હાઇટ્સ બિલ્ડીંગ નદજીક દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડામાં એસએમસીની ટીમોને મોટી સફળતા મળી છે. દરોડામાં રૂ. 44.93 લાખની આઇએમએફએલ ની બોટલો તથા એખ પીકઅપ વાહન મળી આવ્યું છે. તમામની કુલ કિંમત રૂ. 51 લાખથી વધુની આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં વડોદરામાં દારૂનો જથ્થો મેળવનાર, સપ્લાય કરનાર, વાહનનો ડ્રાઇવર અને માલિક મળીને કુલ ચાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ કાર્યવાહીને પગલે વડોદરામાં પ્રોહીબીશનની અમલવારી સામે સવાલો ઉઠવા પામ્યા છે.ઉપરોક્ત મામલે ચાર પૈકી એક પણ આરોપી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના હાથે લાગ્યો નથી. દરોડા બાદ વોન્ટેડ આરોપીઓને દબોચી લેવા, તેમજ દારૂનું નેટવર્ક તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.