કાર્યવાહી@વલસાડ: મહારાષ્ટ્રમાંથી દારૂ ઘુસાડવા માટે 2 હોમગાર્ડ જવાનો લાંચ લેતા ઝડપાયા
Sep 25, 2025, 13:39 IST

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવા દેવાના બદલામાં આ રકમ માંગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વલસાડના ઉમરગામ વિસ્તારમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ જવાનોને ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં, મહારાષ્ટ્ર તરફથી દારૂ ઘુસાડવા માટે આ હોમગાર્ડ જવાનોએ લાંચની માંગણી કરી હતી.ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ અનિલ અને સુજીત નામના બે જવાનોએ દારૂની હેરાફેરી માટે રૂ.5,000ની લાંચની માંગણી કરી હતી. અંતે, રૂ. 5,000માંથી રૂ. 4,500 સ્વીકારતા સમયે જ વલસાડ ACBની ટીમે છટકું ગોઠવીને તેમને ઝડપી પાડ્યા હતા.
આ હોમગાર્ડ જવાનોએ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાંથી દારૂ ઘુસાડવા દેવાના બદલામાં આ રકમ માંગી હતી. જોકે, ફરિયાદીએ તેમને લાંચ આપવાને બદલે ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ પુરાવા સાથે બંને હોમગાર્ડ અનિલ અને સુજીતની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.