કાર્યવાહી@વલસાડ: ગેરકાયદેસર ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, 20 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત

 
ડ્રગ્સ
કુલ ચાર આરોપીઓની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડ જિલ્લાના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DRI એ અહીં ગેરકાયદે રીતે ચાલતી એક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પર્દાફાશ કરીને અંદાજિત રૂ. 20 કરોડથી વધુ કિંમતનો 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો તૈયાર જથ્થો જપ્ત કર્યો છે. DRIએ આ ઓપરેશનમાં ફેક્ટરીના બે માલિક અને બે વર્કર્સ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફેક્ટરીના માલિકો તરીકે ચંદ્રકાંત કેછડા અને અશોક મુળજી પીઠારીયાની ઓળખ થઈ છે.

DRIએ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.આ ફેક્ટરી વલસાડના અટગામ વિસ્તારમાં લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી ચાલતી હતી. દરોડા દરમિયાન ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી મશીનરી, કેમિકલ્સ અને અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જેમાં 9.55 કિલો ફિનિશ્ડ અલ્પ્રાઝોલમ અને 104.15 કિલો સેમી-ફિનિશ્ડ ફોર્મમાં જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય 431 કિલો કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.આ સિવાય રિએક્ટર, સેન્ટ્રીફ્યુજ, રેફ્રિજરેશન યુનિટ અને હીટિંગ મેન્ટલ સહિત ઔદ્યોગિક સ્તરના પ્રોસેસિંગ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.આ ફેક્ટરીમાં તૈયાર થતા પ્રવાહી ડ્રગ્સને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવતું હોવાની આશંકા છે. આરોપીઓ આ પ્રવાહી ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી લાવતા હતા, કેવી રીતે બનાવતા હતા અને ક્યાં વેચાણ કરતા હતા તેની વિગતો મેળવવા માટે તેમને 3 દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.