કાર્યવાહી@વલસાડ: વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

 
કાર્યવાહી
ગેરકાયદેસર હેરફેરને લઈને વન વિભાગ એક્શનમાં 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વન્યજીવોના રક્ષણ મામલે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. દીપડાનો ગેરકાયદેસર રીતે શિકાર કરીને તેના ચામડાનું વેચાણ કરવામાં આવતું હોવાની વનવિભાગને બાતમી મળી હતી. વલસાડ વન વિભાગની ટીમે વન્યપ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર મામલે શંકાસ્પદ વ્યક્તિના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપીના નિવાસસ્થાનેથી દીપડાના ચાર પંજા કપાયેલ ચામડું મળી આવ્યું હતું.

વલસાડના નવેરાના રહેવાસી અજય માંદા પટેલ નામના વ્યક્તિના નિવાસસ્થાને તપાસ કરતા દીપડોના ચાર પગનું ચામડું મળ્યું હતું. સમગ્ર મામલે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અજય પટેલે આ ચામડું કપરાડાના માલઘરના રહેવાસી સુરેશભાઈ કાશીનાથ ભાઈ વંજારા (ઉં.વ.41) પાસેથી વેપાર માટે મેળવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં સુરેશભાઈએ સ્વીકાર્યું કે, આ ચામડું તેણે પોતાના સંબંધી માલઘર ગામના ઈહદર ફળીયામાં રહેતા સીતારામ વળવી પાસેથી વેચાણ માટે લાવ્યું હતું. 

સમગ્ર ઘટનામાં ત્રણેય આરોપી મળીને વન્યજીવ દીપડાનો ગેરકાયદેસર રીતે શિકાર કરીને તેના ચામડાનું વેચાણ કરવાનો ગુનો આચર્યો છે. વન વિભાગની ટીમે આરોપીની વધુ તપાસ કરતાં સુરેશભાઈની પાસે રહેલા પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં પણ મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, હાડકાં ઘુવડના હતા. આ રીતે આરોપીઓએ વન્યજીવોનો શિકાર, વેચાણ અને તાંત્રિક વિધી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો પુરાવા મળ્યા હતા. સમગ્ર મામલે વન વિભાગે ગુનો નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.