કાર્યવાહી@અમદાવાદ: એરપોર્ટ પરથી 30 કરોડથી વધુનુ હેરોઇન ઝડપાયું, તસ્કરીની રીત જોઈને અધિકારીઓ ચોંક્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ એરપોર્ટ પરથી 6.8 કિલો હેરોઇન સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા હેરોઈનની અંદાજિત કિંમત 30 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. મલેશિયાથી આવેલા પેડલરે હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં હેરોઇન છંતાડયું હતું. પણ કસ્ટમ વિભાગે ચાંપતી નજર અને સતર્કતા દાખવી જથ્થાને પકડી લીધો છે. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. મલેશિયાથી આવેલા એક પેડલર પાસેથી અધધ 30 કરોડ રૂપિયાનું 6.8 કિલો હેરોઈન ઝડપાયું છે.
X-ray સ્કેનિંગથી બચવા માટે હેરોઈનને સિલ્વર ફોઈલ અને કાર્બન પેપરમાં લપેટવામાં આવ્યું હતું અને હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં છુપાવ્યું હતું. પરંતુ સતર્ક સુરક્ષાકર્મીઓએ આ કરોડોનું 'ઝેર' પકડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક પૂછતાછમાં ઝડપાયેલો આરોપી ચેન્નાઇનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. તેને આ જથ્થો અહીંયા લાવવા બદલ 30 હજાર રૂપિયા આપવામાં આવ્યા હોવાની કબૂલાત કરી છે. એરપોર્ટ પર ઉતરતાં કેરિયરને આ જથ્થો આપવાનો હતો પકડાઈ જતાં કેરિયર ફોન ઉઠાવી રહ્યો નથી. કસ્ટમ્સ વિભાગે પેડલર અને કેરિયર બંનેના મોબાઈલ નંબરની વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ શંકા જતાં એક મુસાફરને અટકાવ્યો હતો, તે એર એશિયા ફ્લાઇટ નંબર AK-91 દ્વારા કુઆલાલંપુરથી અમદાવાદ આવ્યો હતો.જેના સામાનમાંથી 29 સાબુ જેવા પેકેટની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કુદરતી સાબુ અને હર્બલ સાબુ બારના આડમાં માદક દ્રવ્યોની હેરાફેરી થતી હોવાનું ખૂલ્યું હતું. ભારતીય બજાર પ્રમાણે હેરોઇનના એક કિલોની કિંમત 2 કરોડ આસપાસ અંદાજી શકાય, પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5 કરોડથી વધુની છે, જેથી પકડાયેલા જથ્થાની કિંમત 30 કરોડ આસપાસ હોવાનું અનુમાન છે. કુલ મળીને, 26 સાબુના કદના બોક્સ અને 3 સફેદ પરબિડીયાઓમાં છુપાયેલ 6.8 કિલો (કુલ) શંકાસ્પદ હેરોઈન NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.

