કાર્યવાહી@અમદાવાદ: તંત્રની બેદરકારીએ માસુમનો ભોગ લીધો, ખુલ્લી ગટરમાં પડી જતા બાળક મોતને ભેટ્યુ

 
અમદાવાદ

ફાયરનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં તંત્રની બેદરકારીએ એક માસુમનો ભોગ લીધો છે. જેમાં ખુલ્લી ગટરમાં પડતા બાળકનું મૃત્યુ થયુ છે. વૈષ્ણોદેવી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા સાત વર્ષના બાળકનું મોતને ભેટ્યુ છે.ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢયો હતો.બાળક તેના માતા પિતા સાથે રાજસ્થાન જવા માટે નિકળ્યો હતો. પરિવાર બસની રાહ જોઇ રહ્યો હતો ત્યારે રમતા રમતા બાળક ગટરમાં ખાબક્યો હતો.

બાળકનું નામ દેવાંશ ધર્મેશભાઇ ધોબી હતું. તે તેના માતા પિતા સાથે ગોતા ખાતે રહેતો હતો. દેવાંશના પિતા ધર્મેશભાઇ ઇસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ મુળ રાજસ્થાનના ભીલડાવાના છે. તેઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ કેડી હોસ્પિટલની સામે રાજસ્થાન જતી બસની રાહ જોઇ રહ્યા હતા ત્યારે દેવાંશ અચાનક રમતા રમતા નજીક આવેલી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. આ મામલે તેના માતા પિતા અજાણ હતા. બસ આવતા તેઓ બસમાં પણ ચડી ગયા હતા. દેવાંશ નહી મળતા તેઓ બસની નીચે ઉતરીને તપાસ કરી હતી. નજીકમાં જ ખુલ્લી ગટર જોવા મળતા તેઓને શંકા ગઇ હતી.તે ખુલ્લી ગટરના ખાડામાં પડયો હોવાનું જણાતા તાત્કાલીક ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયરનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. ભારે જહેમત બાદ દેવાંશને બહાર કાઢવામાં આવ્યો હતો. તેને સીપીઆર દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહતો. આ ઘટનાથી પરિવાર પર આભ ફાટી નિકળ્યુ છે. સ્થાનિક લોકોમાં ખુલ્લી ગટરનો ખાડો ખોદનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.