કાર્યવાહી@ગુજરાત: જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં નકલી દૂધના મોટા કારોબારનો પર્દાફાશ, કુલ રૂ.78,820નો મુદ્દામાલ જપ્ત

 
કાર્યવાહી

કાળવાચોકમાંથી અંદાજે 8 હજાર લીટર શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં નકલી દૂધનો મોટો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે.જૂનાગઢના કાળવાચોકમાંથી અંદાજે 8 હજાર લીટર શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું છે, જ્યારે અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી પોલીસ અને ફૂડ સેફટી વિભાગે મોડી રાતે દરોડો પાડી 220 લીટર નકલી દૂધ સહિત કુલ રૂ.78,820નો મુદ્દામાલ કબજે કર્યો છે. જૂનાગઢના કાળવાચોકમાંથી યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા શંકાસ્પદ દૂધનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ દૂધ વિસાવદર તાલુકાના લેરીયા ગામે કનૈયા ડેરીમાંથી આવતું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અંદાજે 8 હજાર લીટર દૂધનું ટેન્કર કબજે કર્યું છે.

અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં ખાંભા પોલીસ અને ફૂડ સેફટી ઓફિસરે મોડી રાતે બે અલગ અલગ રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન નકલી દૂધ બનાવવાનો સંપૂર્ણ સેટઅપ મળી આવ્યો હતો. પોલીસે 220 લીટર શંકાસ્પદ નકલી દૂધ, 224 કિલો દૂધ બનાવવાનો પાવડર અને 43.3 કિલો દૂધ બનાવવા માટેનું વનસ્પતિ તેલ કબજે કર્યું છે. કુલ રૂ.78,820નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઇંગોરાળા ગામના રાજુ આલ અને રાણા સુસરા સામે FIR દાખલ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા નકલી દૂધના સેમ્પલ લઈને FSLમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે રાતોરાત ખાંભા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા નકલી દૂધના જથ્થાનો નાશ કર્યો છે અને આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.