કાર્યવાહી@ગુજરાત: પીરાણામાં જૂથ અથડામણ બાદ પથ્થરમારો, ધાર્મિક સ્થળનો વિવાદ ફરી વકર્યો

 
પીરાણા

પોલીસ સહિત કેટલાક લોકોને ઇજાઓ પહોંચી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીરાણા ગામમાં આવેલા ધાર્મિક સ્થળ પર જમીનના વિવાદમાં જૂથ અથડામણ થઇ હતી. અગાઉ પ્રાંગણના કેટલાક બાંધકામમાં ફેરફાર કરાયો હોવાનો વિવાદ ફરી ઊઠતા મામલો ગરમાયો હતો. તેવામાં બે જૂથો આમનેસામને આવી જતા વિવાદ વકર્યો હતો. બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. આ મામલે રેન્જ આઇજી, એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો પહોંચી ગયો હતો.પોલીસની હાજરીમાં ટોળુ કાબૂમાં આવ્યુ ન હતું અને પોલીસને પણ આ પથ્થરમારામાં સામાન્ય ઇજાઓ થઇ હતી.

પોલીસે સમગ્ર પીરાણામાં એસઆરપી જવાન સહિતનો બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે આ અજંપાભરી સ્થિતિને લઇને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ગામમાં મંદિરની સાથે સાથે દરગાહ પણ હોવાથી બે કોમના લોકોની આસ્થાના કેન્દ્રના કારણે ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ફરી એક વખત વિવાદ થતાં આ સ્થળ પર તોડફોડ કરવાના કારણે વિવાદ થતાં બે જૂથ આમને સામને આવી ગયા હતા અને એક બીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ગ્રામ્ય પોલીસને પથ્થરમારાનો મેસેજ મળતા જ રેન્જ આઇજી, ગ્રામ્ય પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને અસલાલી, વિવેકાનંદનગર પોલીસસ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસ પરિસ્થિતિ કાબૂમાં લઇ રહી હતી ત્યારે પણ ટોળુ વિફર્યુ હતું. જૂથ અથડામણમાં પોલીસ કર્મચારી સહિત ચારથી પાંચ લોકોને ઇજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અસલાલી પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી બે જૂથના કેટલાક લોકોની અટકાયત કરીને ધાર્મિક સ્થળ પર તોડફોડ કરનાર લોકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અહીં તોડફોડ કરવાની સાથે પથ્થરમારાનો મેસેજ મળતા પોલીસ પહોંચી હતી. જેમાં પોલીસ સહિત કેટલાક લોકોને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં લઇને ગુનો નોંધવાની સાથે કેટલાક લોકોની અટકાયત કરાઇ છે. સાથે આ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે અને પૂરતો બંદોબસ્ત રખાયો છે.