કાર્યવાહી@માંડવી: જમીન લેવલિંગ માટે લાંચ લેતા 2 ચૂંટાયેલા પ્રતિનિધિઓ રંગે હાથે ઝડપાયા

 
પ્રતિનિધિઓ

બંને લાંચિયા જન પ્રતિનિધિઓએ ખેડૂત પાસેથી લાંચ પેટે 1.50 લાખની માંગણી કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

માંડવી તાલુકાના પાતલ ગામમાં બે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ જમીન લેવલિંગનો ઠરાવ પસાર કરવા માટે લાંચ લેવા જતા રંગે હાથે ઝડપાયા હતા. એન્ટી કરપ્શન બ્યુરોએ ગ્રામ પંચાયતના ડે.સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યને દોઢ લાખ રૂપિયાના સોદામાં 35 હજાર રૂપિયાનો પહેલો હપ્તો લેવા જતાં જ ઝડપી પાડ્યા હતા.એક જાગૃત નાગરિકે ખેતીની જમીનને લેવલિગ કરવા માટે પાતલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી.

જમીન લેવલિંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવવો જરુરી હતો. એટલે ગ્રામ પંચાયતના ડે.સરપંચ ભૂપેન્દ્ર ધનસુખ ગામિત અને માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના તાલુકા પંચાયતની સાલૈયાર બેઠકના સભ્ય શંકર ચૌધરીએ લાંચ માંગી હતી. જો કે, જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હતા. તેથી તેમણે આ લાંચિયા જન પ્રતિનિધિ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરી હતી.

આ બંને લાંચિયા જન પ્રતિનિધિઓએ ખેડૂત પાસેથી લાંચ પેટે 1.50 લાખની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 80,000ની લાંચ નક્કી કરવામાં આવી હતી. ઠરાવ પાસ થાય ત્યારે તમામ પૈસા ચૂકવી આપવાના નક્કી થયું હતું. જો કે, 35000 રુપિયા પહેલા આપતી વખતે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. એસીબીનો સ્ટાફ પહેલાંથી ત્યાં ગોઠવાઈ ગયો હતો. જેવા રૂપિયા સ્વીકાર્યા કે તરત જ આ ટ્રેપમાં પાતલ ગ્રામ પંચાયતના ડે.સરપંચ ભૂપેન્દ્ર ધનસુખ ગામીત અને માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના વર્તમાન તાલુકા પંચાયતની સાલૈયા બેઠકના સભ્ય શંકર ચૌધરી આબાદ ઝડપાયા હતા. આ લાંચિયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.