કાર્યવાહી@સુરત: પંચાયતમાં ઠરાવના નામે 35 હજાર પડાવ્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાગ્યો લાંચનો રંગ

 
લાંચ

કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા.જમીન લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા દોઢ લાખની માંગણી કરી હતી. ફરિયાદી પાસે રકઝકના અંતે 80 હજારની માંગણી કરી હતી. તાપી એસીબીએ અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતા.

 

સુરત જિલ્લાના માંડવી ખાતે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતા. ઘટના એ હતી કે, ફરિયાદી ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. જે જમીન લેવલીંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બન્નેને તેઓ મળ્યા હતા. કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે 80 હજારમાં પતાવટ થઈ હતી.

 

જે પૈકીના 35 હજાર રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ 35 હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડ દેવડ કરવા જતાં બંને રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આ બંને સેવકો સેવાના બદલામાં મેવા ખાવા જતાં હાલ બંને જણાંને જેલની હવા ખાવી પડી રહી છે. ત્યારે સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીબીના મહિલા પીઆઈ આર.આર. ચૌધરી અને ટીમ દ્વારા કરવામાં આવી હતી. લાંચ લેનાર બે ઈસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભુપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા. બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બન્ને લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતાં.